હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 12 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ઉમરગામમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડ જિલ્લાના અન્ય તાલુકામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
વાપીમાં સવા ચાર અને કપરાડામાં ત્રણ ઈંચ વરસાદ
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. દરમિયાન છેલ્લા 12 કલાકમાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં બારેમેઘ ખાંગા થયા છે. ગત રોજ સાંજે 6થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 14 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે વાપી તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે કપરાડામાં પણ ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.
ઉમરગામ નેશનલ હાઇવે ઉપર 3 ફૂટ પાણીનો ભરાવો
અતિભારે વરસાદ થતાં ઉમરગામ તાલુકાના શહેરી ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. 12 કલાકમાં 14 ઇંચ જેટલો મૂશળધાર વરસાદ ઝિંકાતા ઉમરગામ નેશનલ હાઇવે ઉપર 3 ફૂટ પાણીનો ભરાવો થતાં ટ્રાફિકને ભારે અસર પહોંચી છે. ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા ઉભરાઇ ગયા હતા. ઉમરગામ શહેરી વિસ્તારોમાં પણ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોના ઘરોમાં પણ પાણી ભરાઇ જતાં રહીશો કફોડી હાલતમાં મૂકાઇ ગયા છે.
છેલ્લા 12 કલાકમાં નોંધાયેલો વરસાદ
| તાલુકો | વરસાદ(મિમિ) |
| ઉમરગામ | 363 |
| વાપી | 115 |
| કપરાડા | 77 |
| ધરમપુર | 17 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment