સૌરાષ્ટ્રમાં છેલ્લા 2 દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો સાર્વત્રિક વરસાદની રાહ જોઈને બેઠા હતાં. ત્યારે આજે ગીર પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગીર સોમનાથમાં 3 કલાકમાં 4 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ, કોડીનારમાં 2 ઈંચ, વેરાવળમાં 5 ઈંચ અને તાલાલામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદ પડતાં ખેતરમાં ઊભા કપાસ અને મગફળીના પાકને ફાયદો થયો છે. બીજી તરફ રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. માંગરોળમાં કામનાથ મહાદેવ મંદિર નજીકની નોળી નદીમાં ઘોડાપૂર આવતા વચ્ચેથી પસાર થતો રસ્તો બંધ થયો છે.
ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકના સુત્રાપાડા, વાવડી, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢના માંગરોળમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ગીર સોમનાથના વેરાવળમાં 37 મિમિ અને કોડીનારમાં 15 મિમિ વરસાદ પડ્યો છે.
બાબરામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
બાબરામાં ઘણા દિવસના વિરામ બાદ આજે ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. સારા વરસાદથી વાતાવરણમાં બફારા અને ગરમીનું પ્રમાણ ઘટી ગયું છે. ઘણા દિવસથી જગતનો તાત સારા વરસાદની રાહ જોઈને બેઠો હતો. આથી સારા વરસાદથઈ જગતનો તાત પણ ખુશખુશાલ બન્યો છે. સમયસર વરસાદ આવી જતા મગફળી અને કપાસના પાકને ફાયદો થયો છે. અમરેલી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે.

વેરાવળમાં રસ્તાઓ પર નદી વહેવા લાગી
વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદના પગલે મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. સટ્ટા બજાર, સુભાષ રોડ, ગાંધીચોક સહિતના મુખ્ય રસ્તાઓ પર નદી વહેવા લાગી છે. આંબલીયાળા, ડભોર, તાતીવેલા, દેદા, ઉંબા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વેરાવળના ઈણાજ ગામમાં દુકાનો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
ભાવનગર જિલ્લામાં એકથી દોઢ ઈંચ વરસાદ
ભાવનગરના મહુવા તાલુકાના ખારી ગામે મેઘો મહેરબાન થયો છે. મહુવા તાલુકાની ખારી ગામની નદી બેકાંઠે વહી રહી છે. મહુવાના ખારી, ગલથર, બેલમપર, કંટાસર, મોણપર સહિતના ગામોમાં સવારથી જોરદાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે. ઉપરવાસમાં વરસાદના પગલે ખારી નદી બેકાંઠે વહી રહી છે. આસપાસના વેળાવદર, પીપરલા, સાખડાસર, ગોરખી, વેળાવદર, લીલીવાવ સહિતના ગામડાઓમાં પણ સવારથી વરસાદના હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા છે. તળાજામાં સવારે વરસાદનું ધોધમાર ઝાપટું વરસ્યા બાદ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. એકથી દોઢ ઈંચ વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થયો છે. વરસાદ ઓછો હોવાના કારણે હજુ ભૂગર્ભ તળ ઉંચા આવ્યા નથી.
ખાંભામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ
ખાંભામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખાંભાના નાનુડી, ભાડ, વાંકીયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ખાંભાના ગાંધી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગઈકાલે ભારે ઉકળાટ વચ્ચે આજે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ગડુ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો
ગીર પંથકના ગડુ અને આસપાસના વિસ્તારમાં એક કલાકમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે દિવસથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આજે વહેલી સવારના વરસાદી વાતાવરણ બંધાતા સવારના સાડા છ વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો.
રાજકોટમાં ધીમીધારે વરસાદ
અસહ્ય બફારા અને ગરમી બાદ રાજકોટમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આગામી 3 દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદથી આગાહી કરવામાં આવી છે.
કપાસ અને મગફળીના પાકને વરસાદની જરૂર
સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીના પાકને વરસાદની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. કપાસ અને મગફળીનો પાક વરસાદ વગર સુકાવા લાગ્યો છે. આથી ખેડૂતો પણ ધોધમાર વરસાદની રાહ જોઈને બેઠા છે. પરંતુ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. હળવા ઝાપટાથી પાકને પણ પુરતું પાણી મળતું નથી. આથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસ, મગફળી ઉપરાંત મગ, અડદ. તલ, મકાઈ સહિતના પાકોમાં વરસાદની જરૂરિયાત ઉભી થઈ છે.
(જયેશ ગોંધીય-ઉના, અતુલ મહેતા-જૂનાગઢ, હિરેન્દ્રસિંહ રાઠોડ-ખાંભા, રાજેશ ભજગોતર-વેરાવળ, ભરત વ્યાસ-ભાવનગર, મરૂત સોલંકી-ગડુ, રાજુ બસીયા-બાબરા)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment