લેહમાં એક ‘વોર હીરો કોલોની’ છે. સેના અને સરકારે મળીને આ કોલોની બનાવી છે અને યુદ્ધમાં લડતા વીર યોદ્ધાઓના પરિવારને અહીંયા ઘર અપાવ્યા છે. જેમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના પરિવાર અને વીરચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્ર મેળવનારા વીર પોતે પોતોના પરિવાર સાથે રહે છે. આ ઉપરાંત અહીંયા એવરેસ્ટ સર કરનારને પણ પ્લોટ્સ આપવામાં આવ્યા છે. આ કોલોનીમાં ઘણા એવા પરિવાર પણ છે, જેમના પરિવારજનોમાંથી ઘણા હાલ પણ ગલવાનમાં અને ચીન પાસે આવેલા બાકીના વિસ્તારોમાં તહેનાત છે.
સેરિંગના પતિ સૂબેદાર દોરજે કારગિલ યુદ્ધ દરમિયાન નુબ્રા સેક્ટરમાં તહેનાત હતા. છેલ્લા એક મહિનાથી ગલવાન વિસ્તારમાં છે, પરંતુ સેરિંગના ચહેરા પર તેનો સહેજ પણ ડર નથી. સેરિંગ કહે છે કે, મેં ટીવી પર જોયું કે ગલવાનમાં કંઈક થઈ રહ્યું છે. મારા પતિ પણ ત્યાં જ છે. પરંતુ કોઈ ટેન્શન નથી, ખુશી છે કે તે દેશ માટે કામ કરવા માટે ગયા છે. સેરિંગના ત્રણ બાળકો છે. એક 18 વર્ષનો, એક 12 વર્ષનો અને એક 7 વર્ષનો છે.
કારિગલ યુદ્ધ વખતે સૂબેદાર દોરજે એ ટુકડીમાં સામેલ હતા જે સૌથી પહેલા પેટ્રોલિંગ માટે નીકળી હતી. કારગિલ યુદ્ધ માટે વીરચક્ર મેળવનારા ઓનરરી કેપ્ટન તાશી ચૈપલે સૂબેદાર દોરજે વિશે જણાવ્યું કે, દોરજે અને તેમની સાથે પેટ્રોલિંગ પર ગયેલા લોકો પર ઊંચા પહાડોમાં ઘુસણખોરોએ અચાનક ફાયરિંગ કરી દીધું હતું. તેમા અમારા સૂબેદાર છોટક શહીદ થયા હતા. સૂબેદાર દોરજેના પગમાં પણ ગોળી વાગી હતી. તે બૈટલ કૈજ્યુઅલ્ટી છે, તેમ છતા તેઓ ગલવાનમાં લડવા માટે ગયા છે જે આપણા દરેક માટે ગર્વની વાત છે.
તાશીના જણાવ્યા પ્રમાણે,લદ્દાખના 500થી વધારે લોકો ચીન બોર્ડર પર લડવા માટે ગયા છે. લદ્દાખમાં અમારું રેજિમેન્ટલ સેન્ટર છે. અહીંયા સેન્ટરમાં અમુક લોકોને બાદ કરતા મોટાભાગના લોકો હાલ ગલવાનથી માંડી દેમચોક, પેન્ગોગ અને બાકીના વિસ્તારમાં ચીન સામે મુકાબલો કરવા માટે તહેનાત છે.
તાશીએ જણાવ્યું કે, લદ્દાખ સ્કાઉટની 5 બટાલિયન છે, જેમાંથી મોટાભાગના એ વિસ્તારમાં છે. અમે પણ ઈચ્છીએ છીએ કે અમારા લોકોને એ પોસ્ટિંગ મળે. કારણ કે અમે અહીંયાના જ રહેવાસી છીએ. અમને એક્લેમેટાઈજેશન કરવાની જરૂર નથી. અમે અહીંયા જ પેદા થયા છીએ, પહાડોમાં ચઢી શકીએ છીએ, અમે દક્ષિણ ભારતના લોકો કરતા વધારે ઠંડી સહન કરી શકીએ છીએ. એટલા માટે અમારા માણસોનું પોસ્ટિંગ ત્યાં પણ હોવું જોઈએ.
નીલજા અન્ગમોના પતિ સૂબેદાર જોલવન પણ એક મહિના પહેલા ગલવાન ગયા છે. તેઓ 4- લદ્દાખ સ્કાઉટમાં પોસ્ટેડ છે. નીલજાએ તેમની સાથે એક મહિનાથી કોઈ વાત નથી કરી. તેમણે જણાવ્યું કે, એ લોકો જ્યારે એક મહિના પહેલા ગલવાન માટે નીકળ્યા હતા ત્યારે અમને કહ્યું પણ નહોતું. ઉતાવળમાં નીકળી ગયા હતા. પહેલા કહેતા હતા કે હું નથી જવાનો, પણ પછી ચાલ્યા ગયા. અને હા અમે પણ એમને રોક્યા નથી.
નીલજાએ જણાવ્યું કે, ત્યાં તો ફોન પણ નથી લાગતો એટલે વાત પણ નથી થતી. નહીં તો જ્યાં પણ પોસ્ટિંગ પર જતા હતા દિવસમાં ઓછીમાં ઓછી બે ત્રણ વખત વાત તો થતી હતી. આવું પહેલી વખત બન્યું છે, જ્યારે આટલા વર્ષની નોકરીમાં એક મહિના સુધી ફોન નથી કર્યો. ત્યાં શુ થઈ રહ્યું છે અમને નથી ખબર, ટીવી પર જે જોઈએ એ ખબર હોય છે.
આપણા 20 સૈનિક શહીદ થયા આ સમાચાર ખબર પડી તો આ વોર હીરો કોલોનીમાં દુઃખના વાદળ છવાઈ ગયા હતા. નીલજાએ જણાવ્યું કે, એ સમાચાર સાંભળીને સન્નાટો છવાયો હતો. ઘણું દુઃખ થયું કે આપણા સૈનિક શહીદ થયા છે.
શહાદત આ કોલોની માટે કોઈ નવી વાત નથી. ડિસ્કીટ ડોલમાના પતિ કારગિલમાં શહીદ થયા હતા.તેમણે ગર્વથી જણાવ્યું કે, દીકરો હાલ પણ ચુશૂલમાં ચીન સરહદ પર પોસ્ટેડ છે. પતિને યાદ કરતા તેમણે કહ્યું કે, મારા પતિનું લદ્દાખની બહાર પોસ્ટિંગ હતું. રજામાં આવ્યા હતા, પણ જમ્મુ પહોંચીને કહ્યું કે, મારે કારગિલ લડાઈમાં જવાનું છે. આવું કહીને કારિગલ જતા રહ્યા અને પછી ક્યારેય પાછા ન આવ્યા.
ડિસ્કીટના દીકરાને આર્મીમાં ભરતી થયે પાંચ વર્ષ થઈ ગયા છે, જ્યારે ભરતી થયો ત્યારે તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. પિતા શહીદ થયા તેના પંદર વર્ષ બાદ દીકરો સેનામાં જોડાઈ ગયો. તેણે જણાવ્યું કે, દીકરો કહેતો હતો કે હું પપ્પા જેવા બનવા માંગું છું. મારા પતિ શહીદ થયા અને તેના પિતા માટે મારો દીકરો પણ આર્મીમાં જોડાઈ દયો. મારા માટે આ ગર્વની વાત છે.
ડિસ્કીટે જણાવ્યું કે, દીકરો પેન્ગોગ પહોંચ્યો ત્યારે તેણે ફોન કર્યો કે મારું પોસ્ટિંગ ઉપર થઈ રહ્યું છે, હવે ફોન બંધ થઈ જશે. ત્યાર પછીથી તેનો ફોન બંધ આવી રહ્યો છે. મને ચિંતા થાય ત્યારે આર્મીવાળાના પરિવારને ફોન કરીને હાલચાલ પુછી લઉં છું. તમને કોઈ ફોન આવ્યો છે કે શું? બધા કહે કે, અમને ફોન આવ્યો છે પણ જ્યાં તમારો દીકરો છે ત્યાં ફોન નથી. મેં તો બધુ હવે ઉપરવાળા પર છોડી દીધું છે.
ઓનરરી કેપ્ટન સોનમ વાંગચુક પરતાપુર, ગ્લેશિયર, દેમચોક, ચુમૂરમાં 30 વર્ષની નોકરી કરી ચુક્યા છે. આ વિસ્તારમાં ચીન અને ભારતીય સેના સામ સામે છે. તેમણે જણાવ્યું કે,પહેલા પણ ત્યાં ચીની પેટ્રોલિંગ કરવા માટે આવતા હતા. એ લોકો પહેલા આવતા તો અમે ચુપચાપ બેસી રહેતા. પછી અમે જઈને તેમની બાજુ પેટ્રોલિંગ કરતા હતા. ક્યારેક ક્યારેક બન્ને મળી પણ જતા હતા પણ કોઈ ટેન્શન જેવું નહોતું. ક્યારેક એ લોકો ઊભા રહેતા ક્યારેક અમે.
સોનમે જણાવ્યું કે, બન્ને સેના ઘણી વખત મળતી હતી સામ સામે, ચુશૂલમાં ફ્લેગ મીટિંગ થતી હતી પણ મુક્કાબાજી નહોતી થતી. ભારતના ઓફિસર અને ચાઈના ઓફિસર વાત કરતા હતા. પછી તે જતા રહેતા હતા. અથડામણ તો મેં ક્યારેય નથી જોઈ.
હાલ ગલવાન તરફથી જતા રસ્તા સામાન્ય લોકો અને મીડિયા માટે બંધ છે. ગલવાન જવું અમારા માટે શક્ય નથી એટલા માટે અમે એવા લોકો પાસેથી ત્યાંની આબોહવા અને રચના વિશે માહિતી લેવાનો પ્રયાસ કર્યો જેમનું પહેલા ત્યાં પોસ્ટિંગ હતું.
ગલવાન માટે પહેલા રસ્તો ન હતો, 200 કિમી ચાલવું પડતું હતું
કેપ્ટન તાશીએ 30 વર્ષની સર્વિસમાં 16 વર્ષ ગલવાન નાળાની આસપાસ સીમા પર ફરજ નિભાવી છે. તેમણે જણાવ્યું કે, પહેલા રસ્તો ન હતો પગપાળા 200 કિમી ચાલવું પડતું હતું. ખચ્ચર પર સામાન લઈને જતા હતા. પરતાપુરથી ત્યાં સુધી જવામાં 21 દિવસ લાગતા હતા. સિચાયીન ગ્લેશિયરમાં સૌથી ખરાબ હાલત હતી. એ વખતે સ્પેશ્યલ રાશન અને કપડા નહોતા મળતા. અમે બરફમાં સૂતા હતા, સવારે ઉઠીએ ત્યારે તો બરફ અમારી ઉપર પથરાઈ જતો હતો.
તાશીએ જણાવ્યું કે, અમે જ્યારે રસ્તામાં જતા હતા ત્યારે તો ગલવાન નાળાની આસપાસ ખચ્ચર માટે ઘાસનું ખુલ્લુ મેદાન મળી જતું હતું. તંબૂ લગાવીને 2-3 દિવસ ખચ્ચરોને ત્યાં જ રાખતા હતા, આરામ કરતા હતા હવે સાંભળ્યું છે કે ત્યાં ચાઈના બેઠું છે, ક્યારથી એ અમને નથી ખબર.
તાશીએ એ પણ જણાવ્યું કે, ગલવાન નાળું બન્ને બાજુથી ખુલ્લું છે, વચ્ચે નાળું છે, નીચે શ્યોક નદી વહે છે. હવે ત્યાં પણ રસ્તો બની ગયો છે. હવે ગાડી જાય છે. સવારે લેહથી નીકળો તો 4 કલાકમાં ગલવાન પહોંચી જવાય છે.
તાશીએ જણાવ્યું કે, લોકો કહી રહ્યા છે કે ગલવાનમાં ફિંગર 8 સુધી ચીન આવી ગયું છે. આવી જ રીતે ચુમૂરમાં પણ ચીની આવી ગયા છે. સાચું છે કે ખોટું એ તો જોઈએ ત્યારે જ ખબર પડશે. તાશીના જણાવ્યા પ્રમાણે પહેલા અને આજના સમયમાં ઘણો ફરક છે. આ 1962 નથી. ઈન્ડિયા પાસે બધુ છે. ન્યૂક્લિઅર હથિયાર છે, ચીન પાસે પણ છે. કોઈ વસ્તુની ખામી નથી. જો ચીન હવે કંઈક કરશે તો આપણે જડબાતોડ જવાબ આપીશું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment