એક તરફ સરકાર પોતે જ વિદેશી મૂડીરોકાણ માટે લાલ જાજમ પાથરે અને બીજી તરફ સ્વદેશીની વાત કરે એ શું વિરોધાભાસી નથી?ભારતને જો પોતાના ઉત્પાદનો વૈશ્વિક બજારોમાં વેચવામાં રસ હોય તો વિશ્વના અન્ય દેશોના ઉત્પાદનો પણ ઘરઆંગણે વેચવાની મોકળાશ રાખવી જ પડે. એમાં સ્વદેશીનો આગ્રહ ખોટો ન ગણાય?
અમારે તો સ્વદેશી ઉત્પાદનો જ વાપરવા છે, પરંતુ દેશમાં ગુણવત્તાસભર અને કિફાયતી વિદેશી ઉત્પાદનો વેચાતા હોય તો અમે શું કરીએ?
જ્યારે જ્યારે સ્વદેશીની વાત નીકળે ત્યારે આ અને આવા અનેક સવાલો અચૂક પૂછાય છે, અને બેશક એ પૂછાવા જ જોઈએ. કારણ કે ડચકારો થાય એ દિશામાં નીચી મૂંડીએ ચાલ્યા જવાનો સ્વભાવ ઘેટાંનો છે, માણસનો નહિ. આપણે તો સવાલો કરીને તેનાં જવાબો સાથે તર્ક, સમજ અને અનુભૂતિથી સંમત થયા પછી જ અનુસરણ કરવાનું હોય.
કોઈપણ વિભાવના ગમે તેટલી મહાન હોય તો પણ તેના અનુસરણનો એક નિશ્ચિત સમયમર્યાદા હોય. એક શસ્ત્ર દરેક કાળમાં એકસરખું કારગત ન નીવડે. સમય અને સંજોગો અનુસાર તેમાં બદલાવ લાવવો જ રહ્યો. આમ છતાં સ્વદેશીની વિભાવના ભારત જેવા વિકાસશીલ દેશ માટે આજે પણ એટલી જ અક્સિર છે, જેટલી આઝાદી પૂર્વે હતી. આજે પણ જરાક અલગ રીતે તેનું ચોક્સાઈભર્યું પાલન કરવાથી દેશની સંપત્તિનું નિષ્કાસન (Draining) અટકાવી શકાય છે. દેશની આર્થિક જ નહિ, બૌદ્ધિક સંપદાને પણ ભારતમાં સાચવી શકાય છે અને સમૃદ્ધ ભારતનું નિર્માણ થઈ શકે છે.
કઈ રીતે તેના જવાબમાં એક જ ચોટદાર ઉદાહરણ પૂરતું છેઃ જાપાન
જાપાનને ત્યારે પૂરાતન વૈભવની દુહાઈઓ દઈને, પરાણે શૂરાતનના ઈન્જેક્શનો ખાઈને જગસમ્રાટ થવાના ઓરતાં હતાં. ધરાતળની વાસ્તવિકતા પ્રત્યે આંખમિંચામણા કરવાથી કેવી બદહાલી થાય તેનું ઉદાહરણ પણ જાપાન આપે છે અને ખરાં અર્થમાં રાષ્ટ્રવાદ ઊભો કરીને બદહાલીમાંથી બેઠાં કેવી રીતે થવાય તેનું ઉદાહરણ પણ જાપાન પાસેથી જ મળે છે.
ઓગણીશમી સદીના ઉત્તરાર્ધથી ઠાલા અફીણિયા ઘેન હેઠળ જાપાન એટલું મદમાતું બની રહ્યું હતું કે ચીન, મંચુરિયા, કોરિયા અને રશિયા જેવા દેશોને ય પછાડી આવ્યું હતું. સામુરાઈ અને શોગોન યોદ્ધાઓની તલવારોમાંથી નીકળેલા સર્વોપરિતાના ઘમંડને લીધે જ કોઈ દેખીતા કારણ વગર પર્લ હાર્બર પર હુમલો કરીને જાપાને બીજા વિશ્વયુદ્ધના નવા મોરચાને નોંતરી લીધો. ચીન અને રશિયાને પરાસ્ત કર્યા પછી એશિયા ખંડમાં પોતે જ મહાસત્તા છે એવા મદમાં અમેરિકાને છંછેડ્યા પછી જાપાનની પાઘડીનો વળ છેડે આવવા લાગ્યો, પણ તોય તેણે નમતું ન મૂક્યું. યુદ્ધમાં દરેક મોરચે પરાસ્ત થયા પછી ય તેણે કામીકાઝી હુમલા જારી રાખ્યા. જાપાનનો એક પાયલટ એક વિમાન લઈને ઉપડે અને મધદરિયે અમેરિકા કે બ્રિટનના જહાજો પર ત્રાટકે. એ પાયલટ શહાદત વ્હોરી લે, પણ શત્રુદેશને તગડું નુકસાન પહોંચાડે.
કામીકાઝી તરીકે ઓળખાયેલા આ આત્મઘાતી હુમલાઓથી તંગ આવીને અમેરિકાએ ભાન ભૂલીને ધૂણવા માંડેલાં જાપાનને છેલ્લી લપડાક સ્વરૂપે અણુબોમ્બનો પરચો આપ્યો એ પછી જ જાપાનનો યુદ્ધજ્વર શાંત પડ્યો.
એકધારા અકારણ યુદ્ધોને લીધે ખોખલું થઈ ગયેલું અર્થતંત્ર, હિરોશીમા, નાગાસાકી, ટોકિયો સહિત બરબાદ થઈ ગયેલા નગરો, રણમેદાનમાં ખપી ગયેલી યુવાની અને લાખો નાગરિકોની બબ્બે-ત્રણ ત્રણ પેઢી સુધી ઘાતક અસર કરનારા કિરણોત્સર્ગ... બીજો કોઈ દેશ હોય તો તેનું નૈતિકબળ એટલી હદે પડી ભાંગે કે બીજા 200 વર્ષ સુધી બેઠો જ ન થઈ શકે.
પણ આ જાપાન હતું.
એ જ રાષ્ટ્રવાદને તેણે બેઠાં થવાનો મંત્ર બનાવ્યો, જેણે બદહાલી સર્જી હતી. સર્વોપરિતાની એ જ ભાવનાને તેણે જીવનમાં ઉતારી, જેણે અકારણ ઘમંડ પ્રેર્યો હતો. પરંતુ આ વખતે એ રાષ્ટ્રવાદ અને સર્વોપરિતાની એ ભાવના હકારાત્મક હતી. દુનિયાને પાડી દેવા, દુનિયાને જીતી લેવા, દુનિયાને દેખાડી દેવા માટે નહિ પરંતુ પોતાને ખુદને બેઠા થવા માટે હતી. યુદ્ધ પહેલાંનો જાપાનનો રાષ્ટ્રવાદ એ આત્મશ્લાઘા હતી, હવે એ જ રાષ્ટ્રવાદને જાપાને આત્મગૌરવનો પાયો બનાવ્યો.
અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ પરાકાષ્ઠાએ હતું અને ઓલિમ્પિકના મેદાનથી માંડીને અવકાશ સુધીના દરેક ક્ષેત્રે બંને દેશો વચ્ચે અત્યંત કડવાશભરી સ્પર્ધા પ્રવર્તતી હતી એવા માહોલમાં સૌમ્યભાષી ગણાતા જીમી કાર્ટર અમેરિકાના પ્રમુખ બન્યાં. એ વખતે રશિયા ઉપરાંત અમેરિકામાં પ્રવર્તતી રોજગારીની સમસ્યા પણ બહુ મોટો પડકાર ગણાતી હતી. એક પત્રકારે પ્રેસિડેન્ટ જીમી કાર્ટરને પૂછ્યું, 'According to u, what is the biggest threat to US, Russia, Iran or unemployement?'
'Neither USSR, nor Iran or unemployement...' કાર્ટરે પૂરી ગંભીરતાથી જવાબ વાળ્યો, 'Biggest Threat, biggest enemy is Japan... Japan.inc' એ પછી તેમણે વિગતે કહ્યું કે, 'રશિયા સામે આપણે લડાઈ કરી શકીએ છીએ, ઈરાનને ય જડબાતોડ જવાબ આપવા સક્ષમ છીએ, પણ જાપાન જે કરે છે તેનો આપણી પાસે કોઈ જવાબ નથી.'
જાપાન એવું શું કરતું જેનો મહાસત્તા અમેરિકા પાસે પણ જવાબ ન હતો? જાપાનનું એ શસ્ત્ર હતું સ્વદેશી!
અમેરિકા જેવા જ વૈશ્વિક સ્તરના ઉત્પાદનો તૈયાર કરતું જાપાન દુનિયાભરમાં પોતાનો માલસામાન વેચતું હતું. અમેરિકા પણ વેચતું હતું. અમેરિકાની ઉત્પાદનક્ષમતા તો જાપાન કરતાં અનેકગણી વધારે હતી. એમ છતાં જાપાન અમેરિકાને કઠતું હતું કારણ કે વૈશ્વિક વેપારના તમામ નિયમોના દાયરામાં રહીને પણ જાપાન પોતાના દેશમાં અમેરિકી ઉત્પાદનોનો વણબોલ્યો બહિષ્કાર કરી શકતું હતું.
મેક્ડોનલ્ડ કે કેન્ટૂકી ફ્રાઈડ ચિકન જાપાનમાં રેસ્ટોરન્ટ શરૂ કરે, પણ કોઈ જાપાનીઝ ખાવા જ ન આવે. પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ખાસ જાપાન માટે બહુ જ કિફાયતી પ્રોડક્ટ શ્રેણી મૂકે, પણ જાપાનમાં તેને કોઈ ખરીદાર જ ન મળે. આ બે ઉપરાંત જનરલ ઈલેક્ટ્રિકલ્સ, એડિડાસ, કોકાકોલા, જ્હોન્સન એન્ડ જ્હોન્સન, સિટી બેન્ક જેવી અમેરિકાની માંધાતા મલ્ટિનેશનલ્સે કાર્ટર પૂર્વેના અમેરિકી પ્રમુખ જીરાલ્ડ ફોર્ડ સમક્ષ સત્તાવાર ફરિયાદ કરી હતી કે જાપાનમાં અમેરિકી ઉત્પાદનોની બેહદ અવહેલના થાય છે. જીરાલ્ડ ફોર્ડના પ્રશાસને જાપાનને તાકિદ કરી તો જાપાનનો જવાબ હતો, 'નિયમ મુજબ અમે અમેરિકી કંપનીઓને તમામ પ્રકારની મંજૂરીઓ અને છૂટછાટો આપેલી જ છે. હવે સ્થાનિક પ્રજા જ જો અમેરિકી ઉત્પાદનો ન ખરીદે તો અમે એવી ફરજ તો ન પાડી શકીએ ને?'
જાપાને એ જવાબ સાથે અન્ય તમામ દેશોના વેપારનો ય આંકડો આપ્યો. બ્રિટન, રશિયા, જર્મની, ફ્રાન્સ એ દરેક દેશના ઉત્પાદનો પણ અન્ય દેશની સરખામણીએ જાપાનમાં ઓછા જ વેચાતા હતા. મતલબ કે અમેરિકન ઉત્પાદનો સામે જાપાનને કોઈ કડવાશ નથી. સ્વદેશી એ તેમના માટે અન્ય સામેનું અભિમાન નથી, પરંતુ સ્વાભિમાનની બાબત છે. સ્વદેશી એ તેમના માટે બીજાને પાડી દેવાનું સાધન નથી, પરંતુ ખુદને ઊંચા લાવવાનું માધ્યમ છે. સ્વદેશી એ આદત નથી, પ્રકૃતિ છે.
અને માટે અણુબોમ્બે કેડ ભાંગી નાંખી એ પછી માત્ર 50 જ વર્ષમાં જાપાન વિશ્વ વ્યાપારમાં અમેરિકાનું સમોવડિયું બની શક્યું હતું.
હવે સમજાયું શા માટે પ્રેસિડેન્ટ કાર્ટરે જાપાન માટે Japan.inc શબ્દપ્રયોગ કર્યો હતો? Inc મતલબ Incorporation... Inc મતલબ એક કંપની, સહિયારા લક્ષ્ય માટે એકસરખી નિશ્ચિત દિશામાં એકસરખો પ્રયત્ન કરતાં લોકોનો સમૂહ. મતલબ કે જાપાન એ કોઈ વેરવિખેર વિચારસરણી ધરાવતા લોકોનું ટોળું નથી પરંતુ આત્મગૌરવ, સન્માન થકી સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ શિસ્તબદ્ધ નાગરિકોનો સમૂહ છે, અને આવા સમૂહ સામે કઈ રીતે લડવું એ અમેરિકાને ય સમજાતું નથી.
આ ચાર પ્રકરણ પછી જો એ સમજાયું હોય કે આપણે પણ આત્મનિર્ભરતા થકી આત્મગૌરવ પ્રાપ્ત કરી શકીએ, તો એ કેવી રીતે કરી શકીએ એ માટે વાંચો આવતીકાલે આ શ્રેણીનું છેલ્લું પ્રકરણ...
સંદર્ભઃ
1. ધ કાર્ટર પ્રેસિડેન્સીઃ પોલિસી ચોઈસિઝ ઈન ધ પોસ્ટ ન્યૂ ડીલ એરા, લે. ગેરી ફિન્ક
2. રાઈટ ઈટ વ્હેન આઈ એમ ગોનઃ રિમાર્કેબલ ઓફ ધ રેકર્ડ કન્વર્ઝેશન વિથ જીરાલ્ડ ફોર્ડ, લે. થોમસ ડી'ફ્રાન્ક
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment