કોરોના મહામારીને પગલે ગુજરાતથી કેનેડાની ફ્લાઇટો બંધ થઈ જતાં કેનેડાનું ડ્રીમ જોનારા કેટલાય યુવાનો પોતાના ભવિષ્યને લઈને ચિંતાતુર બન્યા છે. એક્સપ્રેસ એન્ટ્રી અને અન્ય કેટેગરીમાં વિઝા ધરાવનાર હાલમાં કોઈ આવકનું સાધન ન હોઈ મુશ્કેલીમાં મુકાયા છે. કેનેડા માટે કન્ફર્મેશન ફોર પરમેનન્ટ રેસિડેન્ટ (COPR) થઈ ગયા પછી કેટલાયે પોતાની નોકરીઓ છોડી દીધી હતી. જો કે હવે ગુજરાતથી ફ્લાઇટો શરૂ ન થતાં ભવિષ્ય પર પ્રશ્નાર્થ સર્જાયા છે. વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝા અને અન્ય કેટેગરીના લોકો પણ ગુજરાતમાં ફસાયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને રજૂઆતો બહેરા કાને અથડાતા આ લોકોએ હવે ‘ ગુજરાત ટુ કેનેડા ‘ ગ્રુપ બનાવ્યું છે. આ લોકોએ ઉડ્ડયન મંત્રી હરદીપ પૂરી, મુખ્ય મંત્રી વિજય રૂપાણી સહિતની નેતાગીરીને રજૂઆતો કરી છે કે પંજાબ દિલ્હી ની જેમ ગુજરાતથી પણ તાત્કાલિક ફ્લાઇટો શરૂ કરાય. કેમ કે, ગુજરાતીઓ પણ પંજાબીઓ ની જેમ મોટી સંખ્યામાં કેનેડામાં જાય છે.
અમદાવાદથી વીકમાં ત્રણ ફ્લાઇટ કેનેડા માટે ચાલુ કરવા માંગ
વડોદરા સ્થિત સુપ્રિયા ચૌધરીએ ભાસ્કરને જણાવ્યું કે, કેનેડાના માટે પીઆર માટે મંજૂરી આવતા મેં મારી મેનેજર તરીકેની નોકરી છોડી દીધી હતી. સરકાર તાત્કાલિક અમદાવાદથી વીકમાં ત્રણ ફ્લાઇટ કેનેડા માટે ચાલુ કરે. કેનેડામાં જોબ ચાલુ ન હોવાથી જે લોકોએ લોન લીધી છે તેમને મુશ્કેલી પડી રહી છે.
દોઢ લાખ રૂપિયા ફસાયા
રાજકોટ સ્થિત મયુરેશ દવે અને તેમના પત્ની એ પણ નોકરી છોડી દીધી હતી અને હાલમાં કેનેડા જવાની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું, મેં પ્રોફેસર તરીકે અને મારી પત્નીએ ટીચર તરીકેની નોકરી જાન્યુઆરીમાં છોડી હતી. પીઆર કન્ફર્મેશન થતાં માર્ચમાં કેનેડા જવા માટે ટિકિટ બુક કરાવી હતી. દોઢ લાખ રૂપિયા તેમાં ફસાયા છે.
આખી ફ્લાઇટ ભાડે કરવા પણ તૈયાર
અમદાવાદમાં રહેતા મૂળ જૂનાગઢના ચિરાગ લોઢિયા એ કહ્યું, હું ફાર્મા કંપનીમાં સારી પોઝિશનમાં કામ કરતો હતો. COPR મળતા મેં નોકરી છોડી હતી. જોકે હવે જોબલેસ થવાથી ઇન્કમના કોઈ સોર્સ રહ્યાં નથી. અમે લોકો આખી ફ્લાઇટ ભાડે કરવા પણ તૈયાર છીએ. સરકારે ઝડપથી ફ્લાઇટ શરૂ કરવી જોઈએ.
વર્ક પરમિટ, વિઝાધારકો પણ ચિંતામાં
અમદાવાદનાં લક્ષિત શાહ છેલ્લાં ત્રણ વર્ષથી કેનેડા વર્ક પરમિટ પર રહે છે. હવે પીઆર માટે તેમને બે જ મહિના વર્ક કરવું પડે તેમ છે. શાહે જણાવ્યું હતું કે, જો સરકાર ફ્લાઇટ શરૂ નહીં કરાવે તો હું જોબલેસ પણ થઈ શકું છું. કેન્દ્ર અને રાજ્ય સરકાર ભેગા મળીને તાત્કાલિક ગુજરાતથી ફ્લાઇટો શરૂ કરાવો જેથી લોકોના ભવિષ્ય દાવ પર ન લાગે.
વિદેશ મંત્રી-ઉડ્ડયન મંત્રીને મેઈલ કર્યા
ગુજરાત ટુ કેનેડા ગ્રુપે ફલાઇટની માગણી માટે હવે સત્તાવાળાઓને મેઈલ કરવાનું શરૂ કર્યું છે. તેમણે વિદેશ મંત્રી જય શંકર, ઉડ્ડયન મંત્રી હરદીપ પૂરી, ખાતાઓના સચિવોને મેઈલ કર્યા છે. આ સિવાય વડાપ્રધાન, ગૃહ મંત્રી, મુખ્યમંત્રીને ટ્વીટરના માધ્યમોથી રજૂઆત કરી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment